20130427

ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ અને શિખંડીઓ


ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ આમ તો સીબીઆઇ ના કાર્યક્ષેત્રમાં આવે છે, સીબીઆઈ પોતે આ જાણે છે કે કેમ તે આપણે જાણતા નથી. સીબીઆઈ સહદેવથી એક કદમ આગે છે. સહદેવ બધું જાણતો હોય પણ તે તો તમે પૂછો તો કહે. સહદેવને તમે ન પૂછો તો સહદેવ તમને કંઈ કહે નહીં. સીબીઆઈ તો કેન્દ્ર સરકાર કે ઉચ્ચન્યાયાલય કહે તો જ કામ કરે.
ઓર્ગેનાઝ્ડ ક્રાઈમ એટલે ભેગા મળીને ગુનો/ગુનાઓ કરવા. જેઓ આમાં સંડોવાયેલા હોય કે ન હોય પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ પામ્યા હોય તે સૌ ગુનામાં સામેલ થયેલા ગણાય. આ ગુનાઈત સંડોવણીવાળાઓ જો તપાસ થાય તો તેઓ એક બીજાનો બચાવ કરે છે.
આપણે આની ફિલોસોફીકલ ચર્ચા ન કરીએ પણ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમથી આમ જનતા એટલે કે જેનો હિસ્સો આમાં સંડોવાયેલો નથી તે કેટલી ત્રસ્ત છે તે જોઇએ.
હાલ આપણે જમીનને લગતી બાબતો જ વિચારીએ.
જમીન માફીયાગીરીઃ
કબજો સર્વોપરી છે. શું કામ? કારણ કે જેનો કબજો છે તે તેના જીવનનો આધાર છે. માટે તમે તેને અધારહીન ન કરી શકો. જો કબજાવાળી વ્યક્તિનો કબજો ગેરકાયદેસર હોય તો પણ તેને તમે ખાલી ન કરાવી ન શકો.
તો આમાં સરકાર શું કરે છે?
પહેલાં તો સાબિત કરવું પડે કે કબજો ગેરકાયદેસર છે. આ કામ ન્યાય ખાતાનું છે. એટલે જે કોઈ ત્રસ્ત હોય તેણે મામલતદાર થી શરુ કરી કલેક્ટર લેવલ સુધી તો પોતાનો કેસ લડવો પડે.
ધારો કે જમીનનો કબજો ગેરકાયદેસર છે તેમ સાબિત થઈ ગયું તો જમીનનો કબજો જેનો હક્ક છે તેને સોંપવાનું કામ કલેક્ટર એટલે કે રેવન્યુ ખાતાનું છે. એટલે તે પોલીસને ઓર્ડર આપે અને પોલીસ તમને કબજો અપાવે.
હવે જો સામેવાળા ગુન્ડા હોય તો તેઓ મળતીયા દ્વારા ફરીથી કબજો લઈ લે. તમારો હક્ક હતો. પણ તમારો કબજો તો હતો જ નહીં. હવે તમને કબજો મળ્યો પણ તમે તેનો ઉપયોગ કરવામાં વાર લગાડી અને આવું તો બને જ એટલે કે થોડી વાર તો લાગે જ. તે સમય દરમ્યાન તમારે ફુલ ટાઈમ ચોકીદાર રાખવો પડે. જો ચોકીદારને તમે ત્યાં રહેવાની ગોઠવણ ન કરવા દેવા માગતા હો તો તમારે ચોકીદારો રાખવા પડે. ચોકીદારોને સીફ્ટ ડ્યુટી આપવી પડે. એટલે કે ત્રણ ચોકીદાર રાખવા પડે. આ તો પોષાય નહીં. એટલે એક ચોકીદારને તેના ફેમીલી સાથે રાખવો પડે. ચોકીદાર પણ માણસ છે. એટલે તે ખુલ્લા આકાશ તળે પોતાની ડ્યુટી બજાવી ન શકે તેથી તેને એક કેબીન કરી દેવી પડે. તમે કેબીન કરો કે તંબુ કરો કે તેને એક ઝુંપડું કરવા દો તે બધું એકનું એક છે. તમારો ચોકીદાર એવો તો નજ હોવો જોઈએ કે ગુન્ડાઓ તમારા ચોકીદારને ભગાડી ને તમારી જમીનનો કબજો લઈ લે. એટલે તમારો ચોકીદાર માથાભારે હોવો જોઇએ. ભરવાડ, રબારી, ઠાકોર, વાઘરી કે એવો કોઈ હોય તો ઠીક રહે.
હવે જ્યારે જમીન ઉપરના હક્કવાળા તમે અનેક હો, ત્યારે શું થઈ શકે? જેમકે કોઓપરટીવ હાઉસીંગ સોસાઈટીની જમીન, જેમાં જમીનની માલિકી સોસાઈટીની હોય અને તેના ઉપરનો હક્ક સામુહિક હોય. આવા કિસ્સાઓમાં વધુ તકલીફો ઉત્પન્ન થાય છે. સોસાઈટીના સભ્યો ક્યાંક ને ક્યાંક રહેતા તો હોય જ. કેટલાક તો બહારગામ પણ રહેતા હોય.
આપણે એક વાસ્તવિક દાખલો લઈએ.
એક ભાઈને થયું કે આપણે સ્વાર્થ સાથે પરમાર્થ કરીએ. એટલે તેઓએ પોતાના બેત્રણ મિત્રો સાથે હાઉસીંગ સોસાઈટી બનાવવાનો વિચાર કર્યો. મિત્ર મંડળમાંથી સભ્યો બનાવ્યા. પૈસાનું ઉઘરાણું કર્યં. સોસાઈટીને રજીસ્ટર્ડ કરાવી.
જમીનનો સોદો કરવા માટે વચ્ચે એક એજન્સી ઉભી કરી. જે જમીનને ડેવેલપ કરે. સોદામાં અને દસ્તાવેજમાં સાક્ષીભાવે પણ રહે. ટાઈટલ ક્લીયર માટે અમુક દસ્તાવેજો નોંધોની કોપીઓ પણ જોઈએ. તેના પણ સરકારી બાબુભાવ હોય છે.  જમીન તો ખેતીની હતી એટલે તેને બીન ખેતીની કરાવવી પડે. આપણા ઉપરોક્ત ભાઈ કોઈ સરકાર સાથે કામ પાડવાના કામ માટેના ધંધાદારી માણસ હતા નહીં. બીન ખેતીની કરાવવામાં ઠીક ઠીક સમય થયો. માંડ માંડ જમીન બીનખેતીની થઈ. સરકારી બાબુઓ કશું મફત તો કરે જ નહીં. જેવો જેવો ઘરાક તેવા તેવા ભાવ.  પણ સરકાર પોતાનો હાથ ઉપર રાખવા તેને કાયમ માટે બીન ખેતીની ન કરે. બીનખેતીની જમીનમાં અમુક સમયમાં બાંધકામ કરી દેવું પડે. એ વાત જવા દો, પણ સરકાર કોઈની કોઈ સંસ્થા સ્કીમ જાહેર કરે તો તમારી જમીન કબજે કરવાની માગણી કરે. આમાં ઘણા આંટાફેરા અને સિફારિશો થાય. અને બધામાં ખર્ચા.
વળી પાછી જમીન ખેતીની થઈ જાય અને વળી પાછી તે જમીનને બીનખેતીની કરવાની પ્રક્રીયા હાથ ધરવી પડે.  આ બધામાં અમુક કિસ્સાઓમાં વર્ષો પણ વીતે. એક વખત તમારી જમીન પડતર રહી એટલે કોઈ હોંશીયાર ધંધાદારી માફીયાની નજર તમારી જમીન ઉપર પડે જ. તે તમારી જ સોસાઈટીના બનાવટી સભ્યો ઉભા કરી નવું મંડળ ઉભું કરી દે. સોસાઈટીની જમીન ને કોઈ બીજા મળતીયા ગુન્ડાને વેચી દે.
હવે તમે કહેશો કે બધા દસ્તાવેજો તો રજીસ્ટ્રાર પાસે હોય. અને તલાટીના રેકોર્ડ ઉપર પણ હોય તેનું શું? પણ ભાઈઓ, તલાટીના રેકોર્ડ સાથે ખિલવાડ થઈ શકે છે. અને કોઓપરેટીવ હાઉસીંગ સોસાઈટીના રજીસ્ટ્રાર તો સોસાઈટીના રેકોર્ડ ગુમ કરી શકે છે.
તમારે તમારો કોઈપણ દસ્તાવેજ રજીસ્ટર કરાવવો હોય તો તમારે સ્ટેમ્પફી ભરવાની હોય છે. સ્ટેમ્પ ફી ભરીને તમે રજીસ્ટર કરાવી શકો છો. તમે સ્ટેમ્પ ફી ભરો એ જ સરકારની જરુરીયાત છે. જ્યાં સુધી દસ્તાવેજ કરનાર અને કરાવનારને વાંધો ન હોય તો સરકારને શી લેવા દેવા? એટલે કોઈપણ અસુરક્ષિત જમીન ઉપર જો તમે કબજો લઈ લીધો તો તમે કમસે કમ એક પેઢી સુધી તો રંગે ચંગે રહી શકો.
આવા કેસ આમ તો ફોજદારી પણ કહેવાય. પણ જ્યાં સુધી ન્યાયધીશ માઈબાપ કહે નહીં ત્યાં સુધી પોલીસભાઈ આને હાથ ન અડાડે. અત્યારે જમીનની કિમત આસમાને હોય અને તમારી સોસાઈટીના સભ્યો ઠીક ઠીક પૈસા ઉઘરાવી શકતા હોય તો તમારે કેસ ઉચ્ચ ન્યાયાલય સુધી તો તમારો કેસ લડવો જ પડે. દરેક સ્ટેજે વકીલભાઈઓને પૈસા આપવા પડે એટલે અવારનવાર ઉઘરાણું કરવું પડે. આ બધું કામ પણ તમારે નિષ્કામ થઈને કરવું પડે. ઈશ્વર મદદ કરે પણ ખરો અને મદદ ન પણ કરે. ઈશ્વર તો એમ કહીને કે ન કહીને ઉભો રહે કે એમાં હું શું કરું?
ગૌચરની જમીન અને પડતરની સરકારી જમીન
આવી જમીન ઉપર સરકારે વાડ કે દિવાલો કે ખીલાઓ ઠોક્યા નથી હોતા એટલે નજીકની જમીન માફીયા ખરીદી લે અને પછી કબજો વધારતા જાય. અત્યારે તમે સીજી રોડ ઉપર કે એવા કોઈ રોડ ઉપર ભરવાડો, રબારીઓ, ઠાકોરોના કે પાર્શ્વભૂમિકામાં દાઉદની જાતિના કબજાઓ જુઓ જ છો જેમાં પાર્ટીપ્લોટ કે રેસ્ટોરાંઓ ચાલતી હોય છે. કેટલાક બાવાજીઓ જેવાકે આશારામ જેવાઓના પણ એન્ક્રોચમેન્ટ(દબાણો) હોય છે.
ફૂટપાથો અને લોકવપરાશની જગ્યાઓઃ
મંદિરોઃ
જો નિર્જન રસ્તો હોય તો થોડી ઈંટો મુકી અંદર એકાદી માતજીની છબી મુકી દો અને ધીમે ધીમે જગા વિસ્તારતા જાઓ. અને બીજા ભગવાનની મૂર્તિઓ મુકવા માંડો. અને દેરી મંદિર ચણી નાખો. વ્યાપ વધારતા જાઓ. જ્યારે રસ્તો મેઈન રોડ થઈ જશે ત્યાં સુધીમાં ફર્સ્ટક્લાસ મંદીર કરી શકશો. અમદાવાદના આઈ આઈ એમ પાસે એક હનુમાનજી(?)નું મંદિર, દૂરદર્શન ટાવર ચાર રસ્તા પાસેનું હનમાનજીનું મંદિર, ગુરુદ્વારા એસજીરોડ સામે શંકર ભગવાન અને રામદેવપીરનું કે એવાં મંદિર આના ઉદાહરણો છે, આવા કંઈક મંદિરો છે. આવા મંદિરોને હઠાવવામાં સરકાર ગલાંતલ્લાં કરશે, કારણ કે સર્વોચ્ચ ન્યાયાલયે એક એવો ચૂકાદો આપ્યો છે કે જો મંદિરને તોડવાથી સૂલેહશાંતિનો ભંગ થાય તેમ હોય તો એવા મંદિરો તોડવા નહીં અથવા તેનું આપસી મસલત દ્વારા નિરાકરણ લાવવું.
(વાસ્તવમાં જે મંદિરોનું બાંધકામ વિશ્વકર્માએ શાસ્ત્રમાં નક્કી કરેલા નિયમો પ્રમાણે ન કરવામાં આવ્યું અને તેમાં દેવની સ્થાપના વૈદિક વિધિ પ્રમાણે ન થઈ હોય તે બધા મંદિરને દેવમંદિર કહી જ ન શકાય. અને આવા મંદિરોને તોડીએ તો મંદિર તોડ્યું એમ ન કહેવાય. જો કે ઐતિહાસિક મંદિરોનો આમાં સમાવેશ ન થાય.)
આમ પોલિસ સહિતના સરકારી બાબુઓને કાયમી નિરાંત છે. મંદિરની આડમાં કયા કયા ધંધા ન થઈ શકે? ગુજરાતમાં જે વાત મંદિરોને અને (ક્યાંક ક્યાંક પીરબાપજીઓને) લાગુ પડે, તે જ વાત જ્યાં લઘુમતિ અસરકારક હોય ત્યાં ચર્ચ અને મસ્જીદોને લાગુ પડે છે.
તમે હાઈ વે ઉપર જાઓ, દર બે પાંચ કિલોમીટરે ગુજરાતમાં એક મંદિર/દેરી દેખાશે અને દક્ષિણમાં ચર્ચ દેખાશે.
પાથરણા, લારીઓ, ગલ્લા, ગેરેજો, લાતીઓ, કબાડીઓ અને નજીકના મકાન માલિકોના દબાણોઃ
તમે અમદાવાદના બીઆરટીએસ રોડનો જ દાખલો લો. (લગભગ બધા જ રોડ બધે જ આવા દબાણોવાળા છે.)
મોટાભાગનો રોડ દબાણોથી ભરપૂર છે. જે લેન સાયકલ વાળા માટે સુનિશ્ચિત કરવામાં આવી છે તે પણ દબાણમાં છે. કોઈ સાયકલ સવાર પોતાની સાઈકલ ત્યાં ચલાવી ન શકે.
આ દબાણ કરવાવાળા બધા જ કંઈ ગરીબ નથી. આ બધાઓમાં લાતીવાળા, કબાડીઓ અને ગેરેજ વાળાઓ અને દુકાનદારો તો લખપતિઓ અને કરોડપતિઓ છે.
તમે કહેશો કે પણ પાથરણા વાળા અને લારીવળા તો ગરીબ જ છે ને? હા એ લોકો જરુર ગરીબ છે પણ તેઓ જે માલ વેચે છે તે તેમનો હોતો નથી. તે કોઈક દુકાનદાર કે ફેક્ટરીનો માલ વેચે છે. તેઓ આ લોકોના પગારદાર હોય છે અને અથવા તેઓ તેમના કમીશન ઉપર કામ કરનારા હોય છે.
એક  નવી જાતનું દબાણ પણ છે. જે છે ફુટપાથની જગા ઉપર ટેબલ ખુરસી સહિતની ખાણી પીણી. એટલે કે રેસ્ટોરાં.
તમે અમદાવાદનો આઈઆઈએમનો રોડ લો. ત્યાં ખાણીપીણીની લારીવાળા, બિન્ધાસ્ત રીતે રોજ ટેબલ ખુરસીઓ ગોઠવી દે છે. કાર્બન ડાઈઓક્સાઈડ અને પેટ્રોલના ધુમાડાથી રોડ તરબર છે. આપણા ભવિષ્યના મેનેજરો એટલે કે એમબીએ (મને બધું આવડે)ના સ્ટુડન્ટ્સની સ્વચ્છતાની સમજણ જુઓ. તમારુ માથું શરમથી ઝૂકી જશે. તેઓ સૌ કોઈ ટપોરીની જેમ ટેબલ ખુરસી ઉપર ગોઠવાઈ જાય છે. અને લહેરથી આરોગે છે. બીજાઓ પણ તેમને સાથ આપે છે. વાસ્તવમાં આ વિદ્યાર્થીઓએ શહેર સુધરાઈને ફરીયાદ કરવી જોઇએ કે આ રોગના કારખાના બંધ કરો અને હેલ્થ અધિકારીને ગુન્હાહિત બેદરકારી બદલ જેલમાં પૂરો.
મોટાભાગના રસ્તાની ફૂટપાથો પર આ ગરીબ લોકો કે જેમની પાર્શ્વ ભૂમિમાં લાખપતિઓ અને કરોડપતિઓ છૂપાયેલા છે એવા લોકોએ કબજો જમાવેલો છે. શું આ બધા મફતમાં જગ્યાનો ઉપયોગ કરે છે?
ના જી. દેશમાં કશું મફત મળતું નથી.
આ બધા પાસેથી નિયમિત પૈસા ઉઘરાવાય છે. આમાં પોલીસ, કોર્પોરેશનના અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, દુકાનદારો, ફેક્ટરીના માલિકો અને ગુન્ડાઓ સામેલ છે. નામ ગરીબોનું, મહેનત ગરીબોની પણ કામ પૈસાદારોનું. ગરીબો તો ઢાલ (શિખંડી) છે. જે સરકારી જમીન ઉપર ઝોંપડપટ્ટી હોય છે તે મફતમાં હોતી નથી. તેમાં વહીવટ ગુન્ડાઓનો હોય છે. તેની કિમત થોડા દશ હજારોથી લાખો રુપીયા સુધીની હોય છે. સરકાર તેમને બીજી જગ્યાએ ખસેડે તો બીજાઓ ત્યાં આવી જાય અને બીજાઓની જગ્યાએ ત્રીજાઓ કે પહેલાઓ આવી જાય. જે જગ્યા ફાળવી હોય ત્યાં થોડા સમયમાં વળી જુદા જ લોકો રહેતા હોય.
જ્યારે ક્યારેય પણ આવા દબાણકર્તાઓને ખસેડવામાં આવે ત્યારે આ લાખોપતિઓ, કરોડપતિઓ પૈસા વેરી વિરોધ પ્રદર્શનો કરે છે. આમેય આપણી નહેરુવીયન કોંગીનેતાઓ તો પ્રદર્શનપ્રિય છે જ.
મુંબઈમાં તમે રેલ્વેના ક્વાર્ટસ્ર જોયા હશે. તે ક્વાર્ટર્સ રેલ્વેના ચોથા વર્ગના ક્વાર્ટર્સ હોય. તે ક્વાર્ટર્સનો કબજો ૫૦૦૦૦ થી ૧૦૦૦૦ રુપીયામાં વેચાય છે. તેના એજન્ટો હોય છે. જેમના નામે ક્વાર્ટર્સ છે તેમની કે એજન્ટની કોઈ જવાબદારી નહીં. તમે પૈસા આપો અને કબજો લો. જ્યારે તપાસ થાય ત્યારે તમે કબજો ગુમાવો. ત્યાં સુધી તમે બે ત્રણ હજાર ભાડું આપો. જેના નામે ક્વાર્ટર્સ છે તે તો ઝોંપડ પટ્ટીમાં જ રહેવાનું ચાલુ રાખશે. તેને તો આમ રહેવું ગોઠી ગયું છે.
બીલ્ડરો શું કરે છે?
બિલ્ડરો જે બ્રોશુઅર બહાર પાડે છે તે તમારા ભવિષ્યમાં થનારા દસ્તાવજ નો હિસ્સો હોતો નથી. તેને કોર્ટમાં માન્યતા પણ નથી. કારણ કે તેમાં પ્લાનમાં ફેરફાર કરવાના બિલ્ડરને અધિકાર હોય છે. સંડોવાયેલી પાર્ટીઓ એક નહીં પણ અનેક હોય છે. દા.ત. વેચનાર, જમીન માલિક, ખરીદનાર/રાઓ, એજન્ટ કે એજન્સી, કો ઓપરેટીવ હાઉસીંગ સોસાઈટી, મિલ્કતના વિકાસ કરનારાઓ અને આ સૌના પાવર ઑફ એટર્નીઓ. આ સૌના દસ્તાવેજો હોય છે. આમાં ઘણં બધું મભમ હોય છે. હવે જો તમારી ખરીદેલી મિલ્કતમાં તમને લાંબા કે ટૂંકા ગાળે ખબર પડે કે તમને અન્યાય થયો છે તો તમને ખબર પણ ન પડે કે આમાં કારણભૂત કોણ છે.
અત્યારે અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામનું પ્રકરણ ચાલે છે.
જે બાંધકામ પાર્કીંગનું હતું, ત્યાં ધંધાદારી દુકાનો થઈ ગઈ,
બીલ્ડીંગ આગળની જે હાલવા ચાલવાની કોમન વપરાશની જગ્યા હતી ત્યાં વાહનો પાર્ક થવા લાગ્યા,
જે ફૂટપાથ ચાલવા માટે હતી તે પણ પાર્કીંગમાં વપરાવવા લાગી,
ફૂટપાથ પાસેની રોડની લેન હતી તે કાપીને શહેર સુધરાઈએ પાર્કીંગની જગ્યા બનાવી અને તેના પૈસા લેવા માંડ્યા,
આ પૈસા ઉઘરાવવાના કામ માટે એજન્ટો નીમી દીધા.
આ બધું કામ સરાકારી અધિકારીઓએ હળી મળીને કામ કર્યું. આ બધી જગ્યાઓમાં જ્યાં થોડી જગ્યા બાકી રહી ગઈ ત્યાં લારી ગલ્લાવાળાને ઘૂસ મારવા દીધી જેથી સરકારી અધિકારીઓ (પોલીસ સહિત) ગુન્ડા એજન્ટો મારફત માસીયો કે અઠવાડીયો હપ્તો મેળવી શકે અને સીપાઈ સપરાં છૂટક ઉઘરાણું કરી શકે.
આમાં કશું ખાનગી નથી. તમે એક ગલ્લો બનાવો એટલે બધી ખબર પડશે. આપણા અતિસંવેદનશીલ ટીવી ચેનલોવાળાઓ અને સમાચાર પત્રો આ બાબતમાં કોઈ માહિતિ જાહેર કરશે નહીં. વીડીયો ક્લીપ પણ નહીં ઉતારે. અરે ભાઈ હવે તો છાપાના માલિકોએ પણ બિલ્ડરના ધંધામાં ઝંપલાવ્યું છે. જો ગુન્ડાઓ રાજકારણમાં ઝંપલાવે તો આ લોકોને પાનો તો ચડે જ ને?
આ ગેરકાયદેસર બાંધકામમાં બિલ્ડરો કેવી રીતે પૈસા કમાયા તે આપણે જાણીએ છીએ. લેબર કમીશ્નર સહિતના, સરકારી અમલદારો, કોર્પોરેશના અધિકારીઓ, ન્યાય તંત્રના ખેરખાંઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સૌએ ભેગા થઈ ખરીદનારાઓને છેતરીને લૂંટ્યા. ગેરકાયદેસર બાંધકામ હાજરા હજુર છે, સરકારી નોકરો હાજરા હજુર છે, બિલ્ડરો હાજરા હજુર છે. જે લૂંટાયા તે પણ પોતાની સાક્ષી આપવા તૈયાર છે. પણ ન્યાયાલયને કોઈ ગુનેગાર દેખાયા નહીં અને કોઈ દસ્તાવેજો દેખાયા નહીં. તેમને ફક્ત જે છેતરાયો એજ દેખાયો. અને તેની ઉપર ઈમ્પેક્ટ ફીનો દંડ ઠોક્યો. અને કહ્યું કે જાઓ, હવે તમારું બધું હવે કાયદેસર થઈ જશે. જે છેતરાયો એને તો સાંભળ્યો પણ નથી.
કાયદાનો ભંગ એ કાયદાનો ભંગ જ છે
બીજાને અગવડ આપીને તમે કાયદાનો ભંગ કર્યો તે ફોજદારી ગુનો જ ગણાય. ગેરકાયદેસર બાંધકામ અને દબાણની અસરો સમાન છે. સરકાર તેને કેવીરીતે કાયદેસર કરી શકે? સરકાર ઈમ્પેક્ટ ફી લગાવીને પણ તેને કાયદેસર કરી ન શકે. જો તમે ખોટી દીશામાં ગાડી ચલાવતા હો તો ટ્રાફિક પોલીસ દંડ જ કરી શકે. તમારી પાસેથી ઈમ્પેક્ટ ફી વસુલ કરીને તમને હમેશમાટે ખોટી દીશામાં ગાડી ચલાવવાની છૂટ આપી ન શકે. ગેરકાયદેસર બાંધકામ એ સતત રહેતું દબાણ છે. આપણા ન્યાયાલયો આ વાત કેમ સમજી શકતા નથી.
રસ્તાઓ આસપાસની જમીન ઉપરના દબાણોઃ
એક ગામને બીજા ગામ સાથે જોડતા રસ્તાઓ ઉપર તમને ગેરકાયદેસર રીતે થયેલા બંધકામ અને લારી ગલ્લાઓ જોવા મળશે. જ્યારે તમે એક ગામડા કે કસ્બા કે શહેરમાંથી પસાર થાઓ ત્યારે પણ તમને રોડને ગામને અને જગ્યાને બદસૂરત કરતા લારી ગલ્લા અને દુકાનો મળશે. આમાં પાન, ચા, ગેરેજ, સ્પેરપાર્ટસ, કબાડી, રેસ્ટોરાં અને શાકભાજીની લારીઓ કે દુકાનો વિગેરે ની હરોળો પણ હશે. બે ગામો વચ્ચે પણ તમને ખાણીપીણીની ગંદી દુકાનો અને વાસમારતી મૂતરડીઓ જોવા મળશે.
રસ્તામાં આવતા પેટ્રોલ પંપો ઉપર તમને ફ્યુએલ સિવાયની કોઈ સ્ટેચ્યુટરી જરુરી સગવડ મળશે નહીં. આ સ્ટેચ્યુટરી સગવડોમાંથી અમુક હશે તો પણ તમે તેને પામી નહીં શકો. નાના બાબલાઓ તમને નોકરી કરતા પણ જોવા મળશે.
આવું શા માટે છે?
આવું એટલા માટે થાય છે કે આરોગ્ય ખાતાના અધિકારીઓ, રોડ એન્ડ બીલ્ડીંગના અધિકારીઓ, લેબર કમીશ્નરના અધિકારીઓ, સ્થાનિક સ્વરાજની સંસ્થાના અધિકારીઓ સૌ કોઈ પોતાનો ભાગ લઈ ઘરભેગા થાય છે.
આ બધા ઉપરાંત પ્રજા ઉપયોગી રસ્તાઓ અને ફૂટપાથના બાંધકામમાં અનેક ગેરરીતો હોય છે. તમને કોઈ ગામમાં યોગ્ય રીતે બંધાયેલ રસ્તો કે ફુટપાથ જોવા મળશે નહીં. જ્યાં પણ હાથ નાખો ત્યાં તમને પ્રજાના પૈસા ની ગેરકાયદેસર રીતે થયેલી હેરાફેરી જોવા મળશે.
કોન્ટ્રાક્ટર, ગુન્ડાઓ, સરકારી નોકરો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની મીલીભગત દૂર કરવી તમને અશક્ય લાગશે.
જ્યારે છેતરનારાઓએ વ્યાપક રીતે છેતરપીંડી કરી હોય ત્યારે એક તપાસ પંચ બેસવું જોઇએ. આ છેતરપીંડી માં સાથ આપનારા તો સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ છે. એટલે આતો ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કહેવાય. ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ હોય અને તેમાં સરકારી અધિકારીઓ પણ સામેલ હોય તો ન્યાયતંત્રે ખાસ અધિકારવળા તપાસપંચની રચના કરવી જોઇએ અને દરેક ગેરકાયદેસર બાંધકામમાં સંડોવાયેલાઓની, જામીન ન મળી શકે તેવા વોરંટ હેઠળ ધરપકડ કરીને જ્યાં સુધી દરેક કેસનો ફેંસલો ન આવે ત્યાં સુધી તેમને જેલમાં રાખવા જોઇએ.
પણ આ બધું કેવી રીતે થાય અને કોણ કરે? બિલાડી નહીં પણ વાઘોને ગળે ઘંટ કોણ બાંધે? અથવા તો વાઘના દાંત અને નખ કોણ કાપે?
પણ કશું અશક્ય નથી.
નરેન્દ્ર મોદી કહે છે કે પ્રણાલીઓ બદલવી જોઇએ. ટેક્નોલોજી આમાં બહુ સારો ભાગ ભજવી શકે તેમ છે. જે વિકસિત દેશોમાં થઈ શકતું હોય તો ભારતમાં કેમ ન થઈ શકે?
હવે પછીના પ્રકરણમાં જુઓ. આના ઉપાયો અઘરા નથી.
શિરીષ મોહનલાલ દવે
ટેગ્ઝઃ સરકારી અધિકારીઓ, સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ, દબાણ, ગેરકાયદેસર બાંધકામ, બિલ્ડર, ડેવેલપર, પાવર ઓફ એટર્ની, ખરીદનાર, છેતરનાર, દસ્તાવેજ, મીલીભગત, હેરાફેરી, રજીસ્ટ્રાર, કોઓપરેટીવ, હાઉસીંગ, સોસાઈટી